આજના સમાચાર 04/03/2019 (સોમવાર)

27 વર્ષની કેરિયરમાં 52મી વખત આ IAS ઓફિસરની ટ્રાન્સફર, તેઓ કહી ચૂકયા છે કે…

હરિયાણાના ચર્ચિત આઇએએસ અધિકારી અશોક ખેમકાની ફરીથી ટ્રાન્સફર થઇ ગઇ છે. તેમને સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના પ્રધાન સચિવ તરીકે નિમાયા છે. અત્યાર સુધી તેઓ કેબિનેટ મંત્રી અનિલ વિજના રમત અને યુવા કાર્યક્રમ વિભાગમાં એડિશનલ ચીફ સેક્રેટરી (એસીએસ) હતા.

આપને જણાવી દઇએ કે ખેમકાની 27 વર્ષની કેરિયરમાં તેમની 52મી ટ્રાન્સફર છે. 1991ની બેચના આઇએસ અધિકારી અશોક ખેમકા રોબર્ટ વાડ્રા અને ડીએલએફની જમીન ડીલને રદ્દ કર્યા બાદ ચર્ચામાં આવ્યા હતા. કેટલીય વખત તેમની ટ્રાન્સફર એવી જગ્યાએ પણ થઇ ચૂકી છે જ્યાં જુનિયર ઓફિસરને મોકલાય છે.


અમદાવાદમાં અમિત શાહે કર્યો મોટો દાવો, એરસ્ટ્રાઇકમાં ઠાર મારેલા આતંકીઓનો આંકડો જાહેર

પાકિસ્તાનના બાલાકોટમાં ઘૂસીને ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલી એરસ્ટ્રાઇકથી આખું વિશ્વ ચકિત થઇ ગયું. આ એરસ્ટ્રાઇકમાં કેટલા આતંકવાદી માર્યા ગયા, તે સવાલ દરેક ભારતીય સહિત વિશ્વના લોકોના મનમાં ગૂંજી રહ્યો છે. દેશના ઘણા મીડિયા રિપોર્ટ્સમાં પણ અલગ અલગ આતંકીઓ મર્યા હોવાનો આંકડો રજૂ કરવામાં આવ્યો છે, પરંતુ હવે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અમિત શાહે મોટું નિવેદન આપી દીધું છે. અમિત શાહે દાવો કર્યો છે કે વાયુસેનાની એરસ્ટ્રાઇકમાં 250થી વધુ આતંકીઓ માર્યા ગયા છે.


પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં 6 વાગે થઈ પ્રાતઃ મહાપૂજા, 48 કલાક ખુલ્લું રહેશે મંદિર

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે આજે મહાશિવરાત્રી પ્રસંગે ભાવિકોનો પ્રવાહ ઉમટી પડ્યો છે. સોમવાર અને મહાશિવરાત્રી હોવાને લઇ આજની શિવરાત્રીનું મહત્વ વધી જાય છે.આજના દિવસે સોમનાથ મંદિર 48 કલાક ખુલ્લું રહેશે. તેમજ મહાપૂજા અને મહા આરતી ચારેય પ્રહરની થશે. આજે વહેલી સવારે 4 વાગે મંદિરના દ્વાર ખુલ્યા હતા. જ્યારે 6 વાગે પ્રાતઃ મહાપૂજા થઇ હતી. જેમાં લાખો ભાવીકોએ ભાગ લીધો હતો.


અમદાવાદમાં આજે PM કરશે મેટ્રોનું ઉદ્ધાટન, કાલથી 10 દિવસ માટે ફ્રીમાં થશે મુસાફરી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલ ચોથી માર્ચના સોમવારથી દોઢ દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ આશરે 26 કલાકનાં રોકાણ દરમિયાન અડધો ડઝન જેટલા કાર્યક્રમોમાં હાજર રહી સંખ્યાબંધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરશે. જેમાં પીએમ મોદીનો ડ્રીમ પ્રોજ્ક્ટ મેટ્રોનાં એક રૂટનું ઉદ્ધાટન કરશે. આજે વડાપ્રધાન મોદી મેટ્રોનો પ્રથમ 6.5 કિમીનો વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક સુધીના રૂટનું ઉદઘાટન કરશે અને ત્યારબાદ વસ્ત્રાલ ગામથી નિરાંત ક્રોસ રોડ સુધીના એક સ્ટેશનની મુસાફરી પણ કરશે. નાગરિકો માટે 6 માર્ચથી એક ટ્રેન અને બીજી ટ્રેન 11 માર્ચથી દોડાવાશે. મેટ્રો રેલના એમડી આઈ.પી. ગૌતમે જણાવ્યું છે કે પ્રથમ 8થી 10 દિવસ સુધી લોકો માટે ફ્રી મુસાફરી રાખી છે. હાલ તેનાં ભાડની કોઇ જાહેરાત કરવામાં નથી આવી.


ઇમરાન ખાનની પ્રશંસા બદલ ABVPએ પ્રોફેસરને ઘૂંટણીએ પડી માફી મંગાવી

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના કાર્યકરોએ કર્ણાટકની એક એન્જિનિયરિંગ કોલેજના એક પ્રોફેસરને ઘૂંટણીયે પડીને માફી માંગવા માટે મજબૂર કર્યા હતા. 'ઇન્ડિયા ટુડે'ના જણાવ્યા પ્રમાણે આ ઘટના કર્ણટકના વિજયપુરાની ડો. પીજી હલાકટી કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજીમાં બની હતી. પ્રોફેસર પર આરોપ છે કે તેણે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની પ્રશંસા કરી હતી.