આજના સમાચાર 03/03/2019 (રવિવાર)

આજે અમદાવાદ સહિત રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા

આજે સવારથી જ અમદાવાદ સહિત રાજ્યનાં અનેક શહેરોમાં વાતાવરણમાં પલટો દેખાઇ રહ્યો છે. આજે ઉત્તર અફઘાનિસ્તાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે અપર એર સાયક્લોનિક સરક્યુલેશનનાં કારણે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત સહિત અમદાવાદમાં 24થી 48 કલાક દરમિયાન માવઠાની શક્યતાઓ હવામાન વિભાગે દર્શાવી છે. દેશમાં પણ ખાસ કરીને હિમાલિયન અને ઉત્તર પશ્ચિમી રાજ્યો તેમજ રાજસ્થાન સહિતના વિસ્તારોમાં વરસાદની શકયતા છે.


અભિનંદનનો પ્રથમ ખુલાસો, 'પાક આર્મીએ મને માર્યો તો નથી, પરંતુ માનસિક પરેશાન કર્યો'

એરફોર્સના વિંગ કમાન્ડર અભિનંદને ભારત પાછા ફર્યા બાદ પહેલી વખત પાકિસ્તાનમાં તેની સાથે કરવામાં આવેલા વર્તન મુદ્દે જાણકારી આપી છે. તેણે કહ્યું કે, પાકિસ્તાન આર્મીએ શારીરિક રીતે તેને કોઈ હાની નથી પહોંચાડી, પરંતુ માનસિક રીતે જરૂરથી પરેશાન કર્યો


મસૂદ અઝહરના ભાઈની કબૂલાત, 'ભારતના હુમલામાં જૈશનો કેમ્પ તબાહ થયો'

આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે એક વીડિયો જાહેર કરીને જણાવ્યું છે કે તેમના ઠેકાણાઓ પર ભારતીય વાયુસેના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જૈશના વડા મસૂદ અઝહરના ભાઈ મૌલાના અમ્મારે કબૂલાત કરી છે કે ભારતની વાયુસેનાએ એ જગ્યાએ બૉમ્બ વરસાવ્યા હતા જ્યાં જૈશ આતંકવાદીઓને ટ્રેનિંગ આપે છે. જોકે, NEWS 18 આ વીડિયોની હકિકતની પુષ્ટી કરતું નથી.


આખરે કોણ હતી એ મહિલા જે વિંગ કમાન્ડર અભિનંદનને વાઘા બોર્ડર સુધી મૂકવા આવી

વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનની ઘર વાપસી પર આખો દેશ જશ્નમાં ડૂબ્યો હતો અને લોકો ખુશખુશાલ હતા. પાકિસ્તાનના કબ્જામાં 60 કલાક રહ્યા બાદ રાત્રે 9.10 વાગ્યે પાકિસ્તાની અધિકારીઓએ અમૃતસરની અટારી બોર્ડર પર અભિનંદને ભારતને સોંપી દીધા. અભિનંદનની પહેલી ઝલક જોવા માટે આખો દેશ બેતાબ હતો ત્યારે ભારતના જાંબાઝ વિંગ કમાન્ડરની વાઘા બોર્ડર પર એન્ટ્રી થતા જ કેમેરો પડતા બાજુમાં ઉભેલી મહિલાને જોઇ બધા ગણગણાટ કરવા લાગ્યા કે આખરે આ છે કોણ? આ દરમ્યાન તેમની સાથે એક મહિલા પણ હતી. લોકો માની રહ્યા હતા કે આ તેમની પત્ની કે પરિવારની કોઇ સભ્ય છે. પરંતુ એવું નથી તેઓ પાકિસ્તાનના વિદેશ કાર્યાલયમાં ડાયરેકટર ડૉ. ફરિહા બુગતી છે.


ગર્જ્યા પીએમ મોદી, કહ્યું “દુશ્મનો ડરી રહ્યા છે તો આ ડર સારો છે”

પાકિસ્તાનમાં ઘુસીને આંતકવાદીઓનાં ઠેકાણાઓ નષ્ટ કરવાની ઐતિહાસિક કાર્યવાહી કરવાને ધ્યાને રાખીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે જો દુશ્મનોને આપણા સૈનિકોનાં પરાક્રમથી ડર લાગે છે તો આ ડર સારો છે. પીએમ મોદીએ કહ્યું કે, “આજનું ભારત બદલાઈ ગયું છે.” તેમણે એર સ્ટ્રાઇક અને પછી પાકિસ્તાનની અવળચંડાઇને આપેલા જવાબનો ઉલ્લેખ કરતા કહ્યું કે કોઇ ભારતને આંખ ના દેખાડી શકે. શનિવારે સાંજે એક ટીવી ચેનલનાં કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું કે, “ભારત આજે એક નવી નીતિ અને રીતિ પર ચાલી રહ્યું છે. આજનું નવું ભારત નિડર છે, નિર્ભયી છે અને નિર્ણાયક છે.” તેમણે કહ્યું કે દેશની અંદર અને બહાર બંને જગ્યાએ દેશવિરોધી લોકોમાં ડર પેદા થયો છે. આજનાં વાતાવરણમાં આ ડર સારો છે.