આજના સમાચાર 24/02/2019 (રવિવાર)

છેલ્લા 24 કલાકમાં કાશ્મીરમાં પરિસ્થિતિ તંગ

છેલ્લા 24 કલાકમાં કાશ્મીરમાં જે ઝડપથી પરિસ્થિતી બદલાઇ છે તેના પુરતા સંકેતો મળવા લાગ્યા છે. સમગ્ર ખીણમાં અલગાવવાદી નેતાઓ પર મોટી કાર્યવાહી હાથધરવામાં આવી છે. જેમાં યાસીન મલિક સહિત જમાત-એ-ઇસ્લામીના લગભગ બે ડઝન નેતાઓની ધરપકડ કરી લેવામાં આવી છે. આ ઉપરાંત ખીણમાં સુરક્ષા વ્યવસ્થામાં છેલ્લા ત્રણ દશકમાં સૌથી મોટો ફેરફાર જોવા મળ્યો છે.


RSS માટે હાલમાં રામ મંદિર નહી કાશ્મીર મુદ્દો મહત્વનો: શિવસેના

શિવસેનાએ શનિવારે એક અહેવાલનો હવાલો આપતા કહ્યું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)નો નવો રૂખ એ છે કે રામ મંદિર મુદાને અસ્થાયીરીતે એકબાજુ રાખવામાં આવે અને પુલવામા હુમલા પછી જન્મેલી સ્થિતિને જોતાં કાશ્મીર મુદાને પ્રાથમિકતા અપાય કેમ કે હાલમાં આ મુદો ચર્ચાને અનુકૂળ છે. થોડાક દિવસ અગાઉ શિવસેનાએ ભાજપ સાથે મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીમાં ગઠબંધન કર્યું છે એ પછી તેના લેખમાં તેનું વલણમાં થોડીક નરમાઇ આવી હોય તેમ લાગે છે.


તમામ એરપોર્ટ સેના હવાલે, વિમાન હાઇજેકની ધમકી

પુલવામા હુમલાના થોડાક દિવસો બાદ ભારતના હવાઇ મથકો શનિવારે હાઇએલર્ટ પર મૂકાયાં છે અને સલામતી સંસ્થાઓને વિમાની મથકોની અંદર અને આજુબાજુના મહત્વના વિસ્તારોમાં સલામતી વધારવાની તેમજ કાર પાર્કિંગ વિસ્તારમાં પ્રવેશતા તમામ વાહનોની ચકાસણી કરવાની સૂચના અપાઇ છે.


પહેલી માર્ચથી કેજરીવાલ ભૂખ હડતાળ પર, દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવવા

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવવા સુધી ભૂખ હડતાલ પર જવાની જાહેરાત કરી છે. દિલ્હી વિધાનસભામાં બજેટ સત્ર દરમિયાન દિલ્હી સીએમે જાહેરાત કરી હતી કે, દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવવા માટે પહેલી માર્ચથી દિલ્હીમાં જ અમે અનિશ્ચિત સમય સુધી ભૂખ હડતાલ પર ઉતરીશું.


14 વર્ષે બીએસએફ કાશ્મીરમાં તૈનાત

કાશ્મીરમાં 14 વર્ષ બાદ બૉર્ડર સિક્યોરિટી ફૉર્સ-ીએસએફના જવાનોને સુરક્ષા માટે ગોઠવી દેવામાં આવ્યા છે. બીએસએફની પચીસ બટાલિયનને કાશ્મીરમાં તાત્કાલિક મોરચો સંભાળી લેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
આ બટાલિયનો એ જ 100 બટાલિયનનો હિસ્સો છે જેને શુક્રવારે રાત્રે કાશ્મીર કૂચ કરી જવાનો આદેશ આપવામાં આવ્યો હતો.